લંડન: પૂજ્ય શાંતિદાદાના 82મા પ્રાગટ્ય દિન નિમિત્તે 26 ઓગસ્ટે અનુપમ મિશન, બ્રહ્મજ્યોતિ, ડેન્હામ ખાતે વિવિધ ઉજવણી કરવામાં આવી હતી. પરમ પૂજ્ય સાહેબજીની પ્રેરણાથી આ શુભ દિવસે ક્રેમેટોરિયમ, નવા રોડ અને નૂતન સાધક નિવાસના નિર્માણ કાર્ય માટે વિશેષ પૂજનના કાર્યક્રમનું આયોજન થયું.
શાંતિદાદાને કીર્તન ભક્તિ ખૂબ પ્રિય હતી, માટે સવારે 9:30 થી 11:00 વાગ્યા સુધી મંદિરમાં કીર્તન ભક્તિનું આયોજન થયું. અનુપમ સુરવૃંદના ભકતો અમિતભાઈ ઠક્કર, દિપ્તીબેન દેસાઈ, દ્યુતીબેન બુચ, અને વ્યાસ બ્રધર્સ પરિવારના કલ્પેશભાઈ, ચેતનભાઈ, બીહાગભાઈ, નેતીબેન ઉપરાંત સાધુ તુષારદાસ અને સતિષભાઈ ચતવાણી દ્વારા ખૂબ ભાવવહી રીતે કીર્તન ભક્તિ અર્પણ થઈ.
સવારે 11:00 વાગે પૂજ્ય સાહેબજીના દિવ્ય સાનિધ્યમાં શ્રેષ્ઠી પ્રદીપભાઈ ધામેચા, સતીશભાઈ ચતવાણી ઉપરાંત અનેક મહાનુભાવો અને ભક્તો દ્વારા શ્રી ઠાકોરજી અને શાંતિદાદાની મૂર્તિ રથમાં પધરાવીને શોભાયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. શોભાયાત્રામાં સૌથી આગળ ઢોલ, ઝાંઝ, મંજીરા, ખંજરી સાથે સુરવૃંદના ભક્તો જોડાયા. ત્યારે બાદ અનુક્રમે ઇંગ્લેન્ડ અને ભારતના રાષ્ટ્રધ્વજ પણ જોડાયા. નવા રોડના નિર્માણ સ્થળે પૂજન, મંત્ર પુષ્પાંજલિ તથા શ્રીફળ વધેરીને પૂજન વિધિ કરવા આવી. વિજયભાઈ ઠકરાર, વિનુભાઈ નકારજા, હિતેશભાઈ ભરખડા, પ્રજ્ઞેશભાઈ અને સાધુ ભુપેન્દ્રદાસજી દ્વારા પૂજન વિધિ કરવામાં આવી.
આ પછી બધા ક્રેમેટોરિયમના નિર્માણ સ્થળે પૂજન, મંત્ર પુષ્પાંજલિ તથા શ્રીફળ વધેરીને પૂજન વિધિ માટે પધાર્યા. પ્રદીપભાઈ ધામેચા, સતિષભાઈ ચતવાણી, હરીશભાઈ મુની અને સાધુ દિલીપદાસજી દેસાઈ દ્વારા પૂજન વિધિ કરવામાં આવી.
ક્રેમેટોરિયમ નિર્માણ સ્થળે પૂજન બાદ સૌ નૂતન સાધક નિવાસના નિર્માણ સ્થળ પર પૂજન, મંત્ર પુષ્પાંજલિ તથા શ્રીફળ વધેરીને પૂજન વિધિ માટે પધાર્યા. હર્ષદભાઈ, પૂજ્ય હિંમત સ્વામીજી, જયેન્દ્ર દાસજી, જતીનભાઈ પટેલ (કોન્ટ્રાક્ટર), ભાવિષાબેન અને કિર્તીબેન કોટેચા દ્વારા પૂજન કરવામાં આવ્યાં. સાહેબજીએ સૌને રૂડા આશીર્વાદ આપ્યા.
બપોરે 5:00 વાગ્યાથી શાંતિદાદાના પ્રાગટ્યદીન નિમિત્તેની મુખ્ય સભાનો પ્રારંભમાં થયો. કીર્તન ભક્તિ બાદ શ્રીલા પટેલ અને યુવતી મંડળ દ્વારા ખુબ સુંદર ભાવ નૃત્ય રજૂ થયું. સદગુરુ સંત શાંતિદાદાની દિનચર્યાના સાધુ હરમીતદાસ અને સાધુ હાર્દિકદાસ દ્વારા તૈયાર કરવામાં આવેલ સ્મૃતિ વિડિયો દ્વારા સૌ એ દર્શન કર્યા. પરમ પૂજ્ય હિંમત સ્વામીજી, જાહ્નવીબેન, સાધુ હરમીત દાસ, સાધુ સરજુદાસ, દિપ્તીબેન દેસાઈ, સતિષભાઈ ચતવાણી અને સાધુ દિલીપદાસજી દેસાઈ દ્વારા પ્રાસંગિક મહિમા ગાન થયા. યુવાન વેદ સાકરીયા દ્વારા તૈયાર કરવામાં આવેલા શાંતિદાદાના મહિમાના ખૂબ સુંદર વિડીયોના સૌએ દર્શન કર્યા. અંતે સાહેબજીએ સૌને આશીર્વાદ આપ્યા.